મોરપિચ્છ

થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય...

Sunday, June 18, 2006

રજકણ - હરીન્દ્ર દવે
રજકણ સૂરજ થવાને સમણે,
ઉગમણે ઊડવા લાગે, જઇ ઢળી પડે આથમણે.

જળને તપ્ત નજરથી શોધી
ચહી રહે ઘન રચવા,
ઝંખે કોઇ દિન બિંબ બનીને
સાગરને મન વસવા

વમળ મહીં ચકરાઇ રહે એ કોઇ અકળ મૂંઝવણે.
એક રજકણ...

જ્યોત કને જઇ જાચી દીપ્તિ,
જ્વાળ કને જઇ લ્હાય;
ગતિ જાચી ઝંઝાનિલથી,
એ રૂપ ગગનથી ચ્હાય;

ચકિત થઇ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.
એક રજકણ...ડૉ.વિવેક ટેલર ના શબ્દોમાં આ કવિતાનો ભાવાર્થ :

આ કવિતાને મેં જે અલગ અલગ નજરે જોઈ છે, એ તમામ દ્રષ્ટિકોણેથી આસ્વાદીએ.
પહેલી નજરે જોઈએ તો કવિતામાં શું દ્રષ્ટિગોચર થાય છે? કવિતાના શીર્ષક અને ધૃવપંક્તિ એક એવી રજકણની વાત લઈને આવે છે જે સૂરજ થવાનું સપનું જુએ છે. રજકણ પણ ઈચ્છે છે કે સૂરજ બનીને ગરમ નજરોથી એ જળમાંથી ઘન યાને વાદળ સર્જે કે બિંબ બનીને રોજ સાંજે સાગરમાં જઈને વસતા સૂરજની પેઠે કદીક સાગરમાં જઈને રહે. પણ એના જીવનની વાસ્તવિક્તા આ સપનાંથી સદૈવ વેગળી રહે છે... એક વમળ ક્યાંકથી ઉઠે છે અને એના મનની મનમાં જ રહી જાય છે, એક અકળ મૂંઝવણ બનીને! તોય સૂરજ થવા માટે રજકણ શું નથી કરતી? એ જ્યોત પાસેથી પ્રકાશ અને અગ્નિ પાસેથી ગરમી માંગે છે. ઝંઝાવાત પાસેથી એની ગતિ અને આકાશ પાસેથી એનું રૂપ મેળવીને સૂર્યની સમકક્ષ થવાના સ્વપ્નો જોતી રજકણને આખરે લોકો ક્યાં પ્હોંચતી જુએ છે-પોતાના ચરણોની નીચે? ધૂળ ઈચ્છે તો પણ સૂરજ બની શક્તી નથી...

પણ આ લીટીઓની વચ્ચે છુપાયેલા હરીન્દ્ર દવેને શોધીએ તો? શું અહીં પોતાની રજકણ જેવડી હેસિયત ભૂલીને ખુદાની સમકક્ષ થવાનું સપનું જોતા પામર મનુષ્યની વાત છે? કવિ શું મનુષ્યને એની તુચ્છતાનો અહેસાસ કરાવવા માંગે છે? પોતાની હસ્તીથી વધીને કશું શક્ય નથી એવો ભાવ છુપાયો છે અહીં?

કે પછી નકલ યા ઉછીના મેળવેલા ગુણની નિરર્થક્તાની અહીં વાત છે? અહીં શું એવું ઈંગિત છે કે કોઈના જેવું થવા માટે કરેલા અનુકરણનો અંત આખરે વમળમાં ફસાયેલી રજકણ જેવો જ હોય છે? અને કોઈની પાસે ભીખીને માંગેલી કળા- ભલે ને એ પ્રકાશ, અગ્નિ, ગતિ કે ગગનસમી દેદિપ્યમાન કેમ ન હોય- છે તો ઉછીનું જ અને નકલ કે ઉધારનું અંતિમ અને સાચું સ્થાન તો લોકોની ઠોકરમાં જ હોય છે.

અને ત્રીજો અર્થ એવો પણ તો કાઢી શકાય ને કે ભલેને વમળમાં અટવાઈ જવાનો યા લોકોની ઠોકરોમાં ખોવાઈ જવાનો ડર હોય, ભલેને આપણી હસ્તી એક રજકણ જેવડી ટચૂકડી હોય, સૂરજ થવાનું સપનું કદી છોડવું ન જોઈએ?! આપણું સ્વપ્ન પૂર્ણ કરવા માટે ભલે ને સદગુણોની ભીખ કેમ ન માંગવી પડે...સ્વપ્ન અને એને સફળ કરવા માટેનો પુરૂષાર્થ કોઈ પણ કાળે પડતો મૂકવો ન જોઈએ...

8 Comments:

At 5:11 PM, Anonymous ઉર્મિ said...

મારી દ્રષ્ટિએ....
જીવનની એ પળો વિશે છે જે ચડતી પડતી અનુભવે છે... ક્યારેક ઉત્સાહિત છે, તો ક્યારેક ગ્લાનિવત છે. ક્યારેક સપનાંથી થનગનતી છે, તો કયારેક નિરાશાવત છે.
બીજી રીતે જૂઓ તો લાગે કે એક કન્યાની કુમારાવસ્થાની ઉર્મિઓ આલેખાઇ હોય...
વધુમાં તો આપણા વિવેકભાઇ જ એમાં વધારે પ્રકાશ પાડી શકે....

At 11:05 AM, Blogger Siddharth said...

આ સરસ રચના છે, મારી પાસે આની ઓડીયો કદાચ લતા મંગેશકરનાં સ્વરમાં છે. જો મળ્શે તો જરૂરથી પ્રસિદ્ધ કરીશ.

સિદ્ધાર્થ

At 6:37 AM, Blogger વિવેક said...

This comment has been removed by a blog administrator.

At 6:38 AM, Blogger વિવેક said...

‘રજકણ’ એ હરીન્દ્ર દવેએ ઈ.સ. 1961માં લખેલી સર્વકાલીન કવિતા છે. આવી કોઈ મહાન કૃતિનું જ્યારે અર્થઘટન કરવાની કોશિશ હું કરી રહ્યો છું ત્યારે મને ખ્યાલ છે કે મારા નામ-વિવેક-માં જે ‘ચ’ નથી(વિવે-ચ-ક), એ બનવાની ધૃષ્ટતા હું નહીં કરું! હરીન્દ્ર દવેના ભાવજગતને આપણા જાગ્રત મનની પછીતે ઊભું રાખીને આ કાવ્યને જોવાની કોશિશ કરીએ.

આ કવિતાને મેં જે અલગ અલગ નજરે જોઈ છે, એ તમામ દ્રષ્ટિકોણેથી આસ્વાદીએ.
પહેલી નજરે જોઈએ તો કવિતામાં શું દ્રષ્ટિગોચર થાય છે? કવિતાના શીર્ષક અને ધૃવપંક્તિ એક એવી રજકણની વાત લઈને આવે છે જે સૂરજ થવાનું સપનું જુએ છે. રજકણ પણ ઈચ્છે છે કે સૂરજ બનીને ગરમ નજરોથી એ જળમાંથી ઘન યાને વાદળ સર્જે કે બિંબ બનીને રોજ સાંજે સાગરમાં જઈને વસતા સૂરજની પેઠે કદીક સાગરમાં જઈને રહે. પણ એના જીવનની વાસ્તવિક્તા આ સપનાંથી સદૈવ વેગળી રહે છે... એક વમળ ક્યાંકથી ઉઠે છે અને એના મનની મનમાં જ રહી જાય છે, એક અકળ મૂંઝવણ બનીને! તોય સૂરજ થવા માટે રજકણ શું નથી કરતી? એ જ્યોત પાસેથી પ્રકાશ અને અગ્નિ પાસેથી ગરમી માંગે છે. ઝંઝાવાત પાસેથી એની ગતિ અને આકાશ પાસેથી એનું રૂપ મેળવીને સૂર્યની સમકક્ષ થવાના સ્વપ્નો જોતી રજકણને આખરે લોકો ક્યાં પ્હોંચતી જુએ છે-પોતાના ચરણોની નીચે? ધૂળ ઈચ્છે તો પણ સૂરજ બની શક્તી નથી...
પણ આ લીટીઓની વચ્ચે છુપાયેલા હરીન્દ્ર દવેને શોધીએ તો? શું અહીં પોતાની રજકણ જેવડી હેસિયત ભૂલીને ખુદાની સમકક્ષ થવાનું સપનું જોતા પામર મનુષ્યની વાત છે? કવિ શું મનુષ્યને એની તુચ્છતાનો અહેસાસ કરાવવા માંગે છે? પોતાની હસ્તીથી વધીને કશું શક્ય નથી એવો ભાવ છુપાયો છે અહીં?

કે પછી નકલ યા ઉછીના મેળવેલા ગુણની નિરર્થક્તાની અહીં વાત છે? અહીં શું એવું ઈંગિત છે કે કોઈના જેવું થવા માટે કરેલા અનુકરણનો અંત આખરે વમળમાં ફસાયેલી રજકણ જેવો જ હોય છે? અને કોઈની પાસે ભીખીને માંગેલી કળા- ભલે ને એ પ્રકાશ, અગ્નિ, ગતિ કે ગગનસમી દેદિપ્યમાન કેમ ન હોય- છે તો ઉછીનું જ અને નકલ કે ઉધારનું અંતિમ અને સાચું સ્થાન તો લોકોની ઠોકરમાં જ હોય છે.

અને ત્રીજો અર્થ એવો પણ તો કાઢી શકાય ને કે ભલેને વમળમાં અટવાઈ જવાનો યા લોકોની ઠોકરોમાં ખોવાઈ જવાનો ડર હોય, ભલેને આપણી હસ્તી એક રજકણ જેવડી ટચૂકડી હોય, સૂરજ થવાનું સપનું કદી છોડવું ન જોઈએ?! આપણું સ્વપ્ન પૂર્ણ કરવા માટે ભલે ને સદગુણોની ભીખ કેમ ન માંગવી પડે...સ્વપ્ન અને એને સફળ કરવા માટેનો પુરૂષાર્થ કોઈ પણ કાળે પડતો મૂકવો ન જોઈએ...

આ સિવાય પણ કોઈ અન્ય રીતે આ કવિતાને મૂલવી શકાશે ને? અન્ય મિત્રો શું કહે છે? છે અહીં એવી કોઈ રજકણ જે સૂરજ થવાનું શમણું દેખે?!
-વિવેક

At 6:43 AM, Blogger વિવેક said...

This comment has been removed by a blog administrator.

At 6:44 AM, Blogger વિવેક said...

This comment has been removed by a blog administrator.

At 12:19 PM, Blogger manvant said...

માનનીય ડૉ.શ્રી વિવેકભાઇએ વિચારેલો ત્રીજો અર્થ મારી સાથે સંમત છે.

At 1:16 PM, Anonymous Anonymous said...

Excellent work in our mother tongue. Hope I can write in gujarati and help your adventure.

Bharat

Post a Comment

<< Home