હું માણસ છું કે ? - ચંદ્રકાન્ત શાહ.
આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે ?
આમ સ્પંદનો ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?
દરિયા જેવો કાયમ થાવા મર્ત્યલોકમાં નીકળ્યો, નીકળ્યો એક જનમથી બીજે
વાદળઘેલા કોઇ જનમની હજી કનડતી ઈચ્છાઓથી જીવતર લથબથ ભીંજે
વર્તમાનમાં માણસનો હું વેશ ધરીને ભૂતકાળમાં રઝળું છું હું માણસ છું કે ?
આમ ઊર્મિઓ ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?
છાતી અંદર શ્વાસ થઇને કરે ઠકાઠક રોજ રોજનો લાંબો તીણો ખીલ્લો
હું પણ સહુની માફક ચણતો મારી ફરતે એકલતાનો રોજ નવો એક કિલ્લો.
ફિલસૂફોનાં ટોળાં વચ્ચે એકલવાયો અવાજ લઇને રખડું છું હું માણસ છું કે ?
ભાવભીનો હું ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?
આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે ?
3 Comments:
This comment has been removed by a blog administrator.
સરસ ગીત... ખીલાવાળી વાત જાણે ખીલાની જેમ માંહ્યમા પેસી જ ગઈ!
ચોટદાર કાવ્ય !
Post a Comment
<< Home