નક્કી દુખે છે તને પેટમાં ! - કૃષ્ણ દવે
( સુનામી, દરિયાઈ ભૂકંપ, ડિસેમ્બર 26, 2004 )
નક્કી દુખે છે તને પેટમાં !
નહિતર તું આ રીતે મોજાં કંઇ મોકલે, ને ડુંસકાંઓ મોકલે કંઇ ભેટમાં ?
નક્કી દુખે છે તને પેટમાં !
નહિતર આ આંગણું જ રમતી પગલીઓનો અટકાવે કોઇ દિવસ શ્વાસ ?
માના ખોળામાંથી થરથર કંપીને કદી ઊડતો જોયો છે વિશ્વાસ ?
ઘૂંટી ઘૂંટીને કેવો કક્કો લખે, ને પાછો ભૂંસી પણ નાખે છે સ્લેટમાં ?
નક્કી દુખે છે તને પેટમાં !
નહિતર તું ધારે તો દરિયા પીવે છે, ને ધારે તો પીવે છે ઝેર.
રોઇ રોઇ મોજાંએ પૂછ્યું હશે કે મારે કાંઠાની સાથે શું વેર ?
બહેરા બે કાન કદી સાંભળે છે કોઇનુંય ? લઇ લે જે આવે લપેટમાં.
નક્કી દુખે છે તને પેટમાં !
માણસની જેમ હવે તારી પણ માણસાઇ, પળભરમાં જાય છે કાં ફાટી ?
વ્હાલસોયાં સપનાંનાં ઢગલાંને સંઘરતાં કંપી ઊઠે છે હવે માટી.
આંસુની કિંમત કાં સસ્તી થઇ જાય સાવ, દર વખતે તારા બજેટમાં ?
નક્કી દુખે છે તને પેટમાં !
(આમ તો આ કાવ્ય 'સુનામી'ને ઘ્યાન્માં રાખીને લખાયું છે, પરંતુ છેલ્લી થોડી પંકિતો મુંબઇની આજની પરિસ્થિતિને ઘણી અનુરૂપ લાગે.)
1 Comments:
ભગવાન સામેનો કવિનો આક્રોશ ખૂબ જ ધારદાર છે... ખૂબ જ સુંદર!
ઊર્મિ સાગર
www.urmi.wordpress.com
Post a Comment
<< Home