એ... હેહેય.... હેહેય... ઝાડ - રમેશ પારેખ
એ... હેહેય... હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં
(ભયનો માર્યો હું તો મારા ક્યાંના સાડત્રીશમા પાને વળગી પડ્યો)
હલક્યાં કૂણાંછમ કૂંડાળાં કલગીવાળાં ફર્રર્રર્રર્ર
હું ખમ્મા, જાઉં ઠેલાતો, જાઉં ફેલાતો ક્યાંક મારામાં
એ... હેહેય... હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં
છાંયડાના ખાબોચિયાને મેં પાનખોંખારાભેર કહ્યું કે, એ ય ટીનુ, તું ખૂલ.
આજ છે અલ્યા, દરિયાપાંચમ, ઊઠ, બેઠું થા, દોડ, કૂદી જા, હાંફ, તૂટી જા, ઝૂલ;
ઝૂલ, ને છાંટા નાખ, થોડા આ તડકે, થોડા સડકે, થોડા ક્યાંક અને થોડાક મારામાં
એ... હેહેય... હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં
ટેકરી ભીની લસરે, અડે, પ્રસરે, દડે હાથમાં, ભીડે બાથમાં, જોતાંવેંત,
ઘાસનું ઝીણું તરણું એની પ્હેલવારુકી ટોચથી ધાવે નભનું સકળ હેત;
દરિયા, તને પૂછતાં ભૂલી જાઉં એ પ્હેલા બોલ, વ્યાપ્યો છે તું કે તારો છાક મારામાં
એ... હેહેય... હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં
( જુન 29, 1978 - ગુરુવાર )
(આ કાવ્યનો ભાવાર્થ મને બરાબર સમઝાતો નથી. કોઇ મદદ કરશે તો હું આભારી રહીશ.)
1 Comments:
કવિતાની નીચે તારીખ લખીને મારું કામ આસાન કરી દીધું. નકર મારે આખા પુસ્તકમાંથી સાડત્રીસમા પાનાનો સંદર્ભ શોધવા બેસવું પડત. રમેશ પારેખ જે ભાષામાં ગીત લખી શકે છે એ અનન્ય છે. એ ગુજરાતી સાહિત્યનો અનન્વય અલંકાર છે. એમના વિચારોમાં લોકબોલી અને સરળતા એવી સહજતાથી આવી ચડે કે ક્યારેક વાંચક મુંઝાઈ જાય કે આ છે શું? પણ આ ગીતને જો વારંવાર વાંચો તો ર.પા. તમારી સાથે વાતો કરવા સાક્ષાત થયા હોય એવી અનુભૂતિ થયા વિના રહેતી નથી.
શબ્દો દ્વારા પરકાયાપ્રવેશ સમી વાત છે અહીં. કવિ ઝાડની અનુભૂતિ જાણે આત્મસાત્ કરી રહ્યાં છે. સાડત્રીસ વર્ષની ઉંમરે એક ઝાડ જાણે કે કૂદકો મારીને કવિમાં પ્રવેશે છે. કૂણાં પાંદડાઓ ફૂટવાની સાથે કવિમાંનો માણસ ક્યાંક ઠેલાતો જાય છે અને ઝાડ ફેલાતું જાય છે. માણસનો ખોંખારો, તો ઝાડનું શું? પાનખોંખારા કે દરિયાપાંચમ જેવા અરૂઢ શબ્દને રૂઢ ર.પા. સિવાય કોણ કરી શકે? ખાબોચિયાને પણ એ સજીવન કરી દે છે અને બદલામાં માંગે છે થોડું ખાબોચિયાપણું...થોડા છાંટા...
કવિનું પ્રકૃતિપણું ઝાડ કે એના છાંયડામાં પડેલા ખાબોચિયા પૂરતું સીમિત નથી રહેતું, એ તો વૃક્ષની જેમ જ વિસ્તરતું રહે છે. જે ભીની ટેકરી પર એ ઊગ્યા છે, એ ટેકરી ક્યારેક જાણે એમના હાથમાં દડે છે તો ક્યારેક એ એમની બાથમાં ભીડાઈ જાય છે. અને ઘાસના ઊગવાની કલ્પના પણ કેટલી રમ્ય છે ! નાનું અમથું તરણું જાણે માથા પર ફેલાયેલા આભના પ્રેમને ધાવે છે! અને અંતે કવિ સૃષ્ટિ તરફ વળે છે. દરિયાને પણ દાદાગીરીથી પોતાના અસ્તિત્ત્વમાં એ કે એનો કેફ વ્યાપ્યો છે એમ પૂછીને કવિ વૃક્ષની વ્યક્તિથી સમુદ્રની સમષ્ટિ સુધી ગતિ કરે છે...
એ... હેહેય... ડબાક્... ફર્રર્રર્રર્ર... ખમ્મા... દોડ, કૂદી જા, હાંફ, તૂટી જા, ઝૂલ... લસરે, અડે, પ્રસરે, દડે, ભીડે... – આ ધ્વન્યાત્મક શબ્દો ગીતને જે લય આપે છે, એ વાંચકને પણ વૃક્ષસોતો કરી દે છે એવું નથી લાગતું?
Post a Comment
<< Home