મોરપિચ્છ

થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય...

Wednesday, June 28, 2006

આયનાની જેમ - મનોજ ખંડેરિયા.




આયનાની જેમ હું તો ઊભી 'તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છુંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તો એકલું રે લાગે

આજ તો અભાવ જેના અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઇ ને
આયનાની જેમ હું તો ઊભી 'તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામનાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે જાણે કે
છાતીમાં ધરબાતા ખીલા

પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
આયનાની જેમ હું તો ઊભી 'તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

2 Comments:

At 7:24 AM, Blogger વિવેક said...

બ્લોગજગતમાં થોડું ઊંડે ઉતરીને જોશો તો જણાશે કે મોટા ભાગના મિત્રો આરંભે શૂરા હોય છે... તમારો બ્લોગ પરત્વેનો અભિગમ જોતાં એવું લાગે છે કે તમે આ ગાડરિયા પ્રવાહથી અલગ છો. તમારી નિષ્ઠા અને તમારી પસંદગી બંને તારીફના હકદાર છે. મોરપિચ્છના રંગ અને ટહુકાના રણકામાં ભીંજાતી વખતે સતત એમ કેમ લાગે છે કે કંઈક છે જે મને સમાંતર જ દોડી રહ્યું છે?

 
At 7:26 AM, Blogger વિવેક said...

ખૂબ સુંદર કવિતા....

 

Post a Comment

<< Home