સાથે મૂકીને જો - જયેન્દ્ર શેખડીવાળા
અંધારને, અજવાસને સાથે મૂકીને જો
અવકાશને, આ શ્વાસને સાથે મૂકીને જો
પીળાં ફૂલોનો સૂર્ય નહીં આથમે કદી
સ્મરણ અને સુવાસને સાથે મૂકીને જો
તું હોય છે તો હોય છે સ્પર્શોની વારતા
તું લાગણીના પ્રાસને સાથે મૂકીને જો
ગઇકાલની હવાઓ તને સાંભરી જશે
ઝાંખો દીવો, ઉજાસને સાથે મૂકીને જો
લથબથ અવાજમાં કશું તેં પણ કહ્યું હતું
ગઝલને, બાહુપાશને સાથે મૂકીને જો
2 Comments:
અંધાર અને અજવાસને, અવકાશ અને શ્વાસને, સ્મરણ અને સુવાસને, લાગણીના પ્રાસને, ઝાંખપ અને ઉજાસને, અને અંતે ગઝલ અને બાહુપાશને સાથે મૂકવાની કવિની વાત અદભૂત છે!! એમાં પાછી કવિએ સ્પર્શોની વારતા પણ કરી લીધી... સરસ!
અંઘાર, અજવાસ, અવકાશથી શરુ કરીને સ્પર્શો ને બાહુપાશ સુધી ખેંચાયેલ રેશમી ગઝલ... મઝા આવી ગઈ !
તું હોય છે તો હોય છે સ્પર્શોની વારતા
તું લાગણીના પ્રાસને સાથે મૂકીને જો
એ શેર સૌથી વધુ ગમ્યો.
Post a Comment
<< Home