મોરપિચ્છ

થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય...

Friday, July 28, 2006

અમથા અમથા - 'સરોદ'

અમથા અમથા અડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા.

એક ખૂણામાં પડી રહેલા
હતા અમે તંબૂર;
ખટક અમારે હતી, કોઇ દી
બજવું નહીં બેસૂર:
રહ્યા મૂક થઇ, અબોલ મનડે
છાના છાના રડ્યા. -
કે અમને રણઝણ મીણા ચડ્યા.

જનમ જનમ કંઇ ગયા વીતી ને
ચડી ઊતરી ખોળ;
અમે ન કિંતુ રણઝણવાનો
કર્યો ન કદીયે ડોળ:
અમે અમારે રહ્યા અઘોરી,
નહીં કોઇને નડ્યા. -
કે અમને રણઝણ મીણા ચડ્યા.

આ જનમારે ગયા અચાનક
અડી કોઇના હાથ;
અડ્યા ન કેવળ, થયા અમારા
તાર તારના નાથ:
સૂર સામટા રહ્યા સંચરી,
અંગ અંગથી દડ્યા. -
કે અમને રણઝણ મીણા ચડ્યા.

હવે લાખ મથીએ, નવ તો યે
રહે મૂક અમ હૈયું;
સુરાવલી લઇ કરી રહ્યું છે
સાંવરનું સામૈયું:
જુગ જુગ ઝંખ્યા સરોદ સ્વામી
જોતે જોતે જડ્યા. -
કે અમને રણઝણ મીણા ચડ્યા.

2 Comments:

At 9:57 AM, Anonymous Anonymous said...

અદભૂત ભક્તિગીત..સરળ અને ચોટદાર શબ્દો....ખરેખર સરોદનઈ રચના...આની સામે કહેવાતા આધુનિક લોક્પ્રિય ગીતો ફીકા લાગે છે.

 
At 1:06 AM, Blogger વિવેક said...

લાગે છે હવે મોરપિચ્છના મીણા પણ ચડી રહ્યાં છે.


મીણા ચડવા= કેફ ચડવો

ખટક = ચાનક

 

Post a Comment

<< Home