મોરપિચ્છ

થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય...

Saturday, July 29, 2006

રૂબાઇયાત - ઉમર ખૈયામ ( અનુ : શૂન્ય પાલનપૂરી )



કેવું રાતું ચોળ છે, જો આ સુમન વનફાલનું
જોઉં છું એની રગોમાં લોહી કો મહિવાલનું
જો આ નમણી નવલતાની નર્મ નાજુક પાંદડી
છૂંદણું લાગે છે એ કોઇ રૂપાળા ગાલનું
--

કાલ મેં લીલા નિહાળી હાટમાં કુંભારની
માટી પર ઝડીઓ વરસતી જોઇ અત્યાચારની
વ્યગ્ર થઇને માટી બોલી, "ભાઇ કૈં વિવેક રાખ
મેંય તારી જેમ ચાખી છે મજા સંસારની"
--

જગ-નિયંતા એની સત્તા જો મને સોંપે લગાર
છીનવી લઉં ઋત કનેથી ભાગ્યનો સૌ કારભાર
એ પછી દુનિયા નવી એવી રચું કે જે મહીં
સર્વ જીવો મન મુજબ લૂટીં શકે જીવન-બહાર
--

ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન છે આપણું
બે જુદાં શિર છે પરંતુ એક તન છે આપણું
વર્તુળો રચવા લગીની છે જુદાઇની વ્યથા
કાર્ય પૂરું થઇ જતાં સ્થાયી મિલન છે આપણું
--

લેખ વિધિએ લખ્યા મારા, મને પૂછ્યા વગર
કર્મની લીલા રચી રાખી મને ખુદ બેખબર
આજ પણ ચાલે છે ક્યાં મારું મનસ્વી દોરમાં
હું કયામતમાં હિસાબ આપું કયા આધાર પર
--

ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધા વગર
પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો' અધર
કાંસકીને જોકે એના તનના સો ચીરા થયા
તો જ પામી સ્થાન એ પ્રિયાની જુલ્ફ પર
--

ઓ પ્રિયે, કઠપૂતલીઓનો છે તમાશો જિંદેગી
ભવના તખ્તા પર નચાવે છે વિધિની આંગળી
અંક ચાલે ત્યાં લગીનો છે અભિનય આપણો
શૂન્યની સંદૂકમાં ખડકાઇ જાશું એ પછી
--

સૌ પ્રથમ તો હું ન આવત. આવતે તો જાત ના
હોત મારા હાથમાં તો આમ ધક્કા ખાત ના
કિંતુ સારું તો હતે બસ એ જ કે મિથ્યા જગે
કષ્ટમય આવાગમનનો પ્રશ્ન ઊભો થાત ના

2 Comments:

At 1:40 PM, Anonymous Anonymous said...

મારી પ્રિય રુબાઈયાત -

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.

ખૈયામ / શૂન્ય

 
At 1:01 AM, Blogger વિવેક said...

રચનાને મુક્તક નામ આપવાને બદલે રૂબાઈ અથવા રૂબાઈયાત નામ આપ્યું હોત તો વધુ આસ્વાદ્ય લાગત... જો કે નામ ગમે તે આપો, ઉમર ખૈયામનો ખજાનો છે એટલો જ કિંમતી રહેવાનો... આટલા બધા મોતીઓ એકસાથે લઈ આવવા બદલ આભાર...

થોડી બીજી રૂબાઈ વાંચવી હોય તો આ લિંક પર વાંચવા મળશે:

http://layastaro.com/?cat=36&submit=view

 

Post a Comment

<< Home