ફૂલડાંની ફોરમને કેમ રે... ? - પ્રેમશંકર ભટ્ટ.
ફૂલડાંની ફોરમને કેમ રે ઝલાય ?
એ તો વાયરાની આંખે ઊડી જાય રે !
વીજળીનું તેજ થીર કેમ કરી થાય ?
એ તો આભા કેરા હૈયે વેરાય રે !
નાનેરાં નવણ દૈને ડૂબકી તગાય,
ઊંડા સમદર શેણેથી મપાય રે ?
નીરના પિયાસી તરસ્યા કંઠ કેરી લાય
તોયે ઝાંઝવાનાં નીર ના બુઝાય રે !
ઊંચી મ્હોલાતો, મંદિર, માળિયા ઝરૂખડે,
ચાકળા ને ચંદરવા બંધાય રે !
આભ કેરા ટોડલે તોરણો ટિંગાડવાના
મનસૂબા કેમ પૂરા થાય રે !
અણજાણી લિપિ, ભાષા, કિતાબો પઢાય,
ગૂઢા ભાગ્યને શી વિધે વંચાય રે ?
દર ને દાગીનો ઝીણું રેણ દૈ સંધાય,
તૂટ્યા આયખાને શેણેથી તુણાય રે ?
( પ્રેમશંકર ભટ્ટ. જન્મ : 30-8-1914, અવસાન : 30-7-1976 )
1 Comments:
સુંદર રચના.... ભાવજગતનું ઝીણું કોતરકામ...સ-રસ!
Post a Comment
<< Home