ગણેશચતુર્થી ની શુભકામનાઓ.....
મારા તરફથી સૌને ગણેશચતુર્થીની શુભેચ્છઓ. દરેક કાર્યમાં ગણેશજીનો આશિર્વાદ મળતો રહે.. વિઘ્નહર્તા કાયમ સાથે રહે એવી આશા.
ગણેશચતુર્થી સાથે મારા બાળપણની ઘણી બધી યાદો જોડાયેલી છે. તો મને થયું કે આજે જરા એ વાતો કરું.
અતુલની લગભગ બધી કોલોનીમાં સાર્વજનિક ગણેશોત્સવ યોજાતો, સિવાય કે અમારી સુવિધા કોલોની. કદાચ એ અતુલની સૌથી નાની કોલોની હતી, એટલે. કોલોનીમાં એક મહારાષ્ટિયન કાકાનું ઘર, એટલે અમારી બચ્ચાપાર્ટીનો ગણેશોત્સવ તો એમને ત્યાં જ થતો. દરરોજ સાંજે આરતીમાં ચોકકસ જવાનું જ. ત્યારે જે આરતી અને ભજન ગવાતા, એ સાંભળવાની ખરેખર મઝા આવતી. ત્યારે તો અમે બધા ઘણા નાના, એટલે ગાતા તો ના આવડે, પરંતુ છેલ્લે સુધી તાળી પાડવાની મઝા અચૂક લેતા. એટલું ખબર પડતી કે જે ગવાય છે એ ગુજરાતી તો નથી. ફક્ત 2 લીટી આવડતી ત્યારે... જયદેવ જયદેવ જય મંગલમૂર્તિ, હો શ્રી મંગલમૂર્તિ... જ્યારે આરતી પૂરી થવાની હોય ત્યારે છેલ્લે હરે રામ હરે રામ, રામ રામ હરે હરે... હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે..
અને પછી... મોરિયા રે બાપ્પા મોરિયા રે...
એક દિવસ અમારી પલટનને તુક્કો સુઝ્યો... બધી કોલોનીમાં સાર્વજનિક ગણેશોત્સવ થાય છે, તો આપણી કોલોનીમાં કેમ નહીં ? ચાલો... આપણે પણ ગણપતિ બેસાડીયે. ડીંપુના ઘરનો બગીચો કોલોનીના મેદાનને અડીને જ હતો. ત્યાં ભેગા થયા બધા, અને નક્કી થઇ ગયું, કે આ વર્ષે આપણે ત્યાં પણ ગણપતિ આવશે. ત્યારે તો પોકેટમની જેવી વાત જ કયાં હતી? એટલે થયું કે જાતે જ મૂર્તિ બનાવીયે. બધાએ ભેગા મળીને કોશિશ કરી તો ખરી, પણ કંઇક જોઇએ એવો ઘાટ ના આવ્યો.
એટલામાં કોઇ એક કાકાએ થોડુ પ્રોત્સાહન આપ્યું, છોકરાઓ... મૂર્તિ હું લાવી આપું છું. અમે બધા તો ખુશ ખુશ...
હવે next stage. સ્થાપના ક્યાં કરવી? 15 નંબરનું ઘર ખાલી જ હતું, એના ઓટલે. બેઠક તૈયાર કરી, બધાના ઘરેથી કંઇક ને કંઇક ભેગુ કરીને ગોઠવાઇ ગયું. પરંતુ બપોર થઇ ને વરસાદ ચાલું. પ્લાસ્ટિક બાંધીને કોશિશ તો કરી કે વરસાદનું પાણી મૂર્તિ સુધી ના પહોંચે, પણ પવન ઘણો હતો.. એટલે ખાસ્સી મહેનત કરી. પણ એટલો મેળ ના પડ્યો. એવામાં કંઇક તો કોઇએ વ્યવસ્થા કરી ( કોણે અને કેવી રીતે, એ યાદ નથી. ) અને અમને અઠવાડિયા માટે એ ઘરની ચાવી મળી ગઇ. પછી તો એ ઘરનો ઓરડો ઘણો સારી રીતે શણગાર્યો. આખી કોલોનીમાં આમંત્રણ આપ્યું, કે આરતી માટે આવજો. બધા એ નક્કી કરી લીધું કે કયે દિવસે કોને ત્યાંથી પ્રસાદ આવશે.
એક અઠવાડિયા સુધી, સ્કૂલેથી આવ્યા, લેસન પતાવ્યું, કે બઘાને ભેગા થવાનું એક જ સ્થળ, 15 નંબરનું ઘર. ખરેખર એ દિવસો ઘણા યાદ આવે છે આજે. મને ખાત્રી છે કે એ 18-20 જણા આજે જ્યાં પણ હશે, કયારેક તો એ ગણેશચતુર્થી જરૂર યાદ કરતા હશે.
અને મને યાદ છે જયારે હું 6th std માં હતી, ત્યારે મારો જન્મદિવસ અને ગણેશચતુર્થી એક જ દિવસે આવ્યા. એક તો જન્મદિવસ, અને સ્કૂલમાં રજા.. વાહ.. મઝા હતી એ દિવસે તો. સવારે પપ્પા અને ભાઇ કંઇક કામ માટે વલસાડ ગયા હતા, અને હું તૈયાર થઇને જતી હતી સોનલના ઘરે. સોનલની બાજુમાં જ પ્રિતેશભાઇ અને અંકુરનું ઘર, એટલે સોનલ ત્યાં હતી, તો હું પણ ત્યાં પહોચી. પ્રિતેશભાઇએ પૂછ્યું, કયા કલરની સાઇકલ મંગાવી? મેં સામે પૂછ્યું, સાઇકલ ?? તો મને કહે... આજે તારો birthday છે ને ? મેં કહ્યુ, 'હા...'. તો એ મને કહે, તારો ભાઇ અને પપ્પા તારા માટે સાઇકલ લાવવાના છે આજે... (મારા ભાઇ અને પ્રિતેશભાઇ એક જ ક્લાસમાં, અને સારા મિત્રો પણ ખરા.. )
પછી મને યાદ આવ્યું, કે કાલે સાંજે જ ભાઇએ રસ્તે જતી એક સિલ્વર કલરની સાઇકલ બતાવીને પૂછ્યું હતુ, કે તને સિલ્વર કલરની સાઇકલ ગમે? અને મેં કહ્યું હતુ, કે મને તો ભુરા કલરની વધારે ગમે.
હું તો દોડી ઘરે... મમ્મી પાસે ખાત્રી કરી કે આજે મારા માટે સાઇકલ આવવાની છે. અને પછી તો એ સાઇકલ મારી બહેનપણી જેવી જ થઇ ગઇ હતી. એણે મને ઘણો ઘણો સાથ આપ્યો...
એક રીતે આવું બધું યાદ કરીને હસવું આવે છે, તો સાથે સાથે જગજિતસિંગની પેલી ગઝલ પણ યાદ આવી જાય... વો કાગઝકી કશ્તી... વો બારિશકા પાની...
0 Comments:
Post a Comment
<< Home