મુક્તકો - ગની દહીંવાલા
મૂકી છે પીઠ પાછળ સૂરજે પોતાની દુનિયાને
હું બેઠો છું નદીકાંઠે લઇ ખોળામાં સંધ્યાને
હવે મોડા પડો તો પૂછજો બાળકને સરનામું
કદાચિત ઓળખે એનાં રહસ્યો આ સમસ્યા ને
--
ચાહું છું કોઇમાં વિશ્વાસ મૂકી દઉં આજે
જિંદગી કોઇનો એ રીતે સહારો લઇ લે
જે રીતે આવીને ઠલવાય હજારો મોજાં
જેમ સાગરનો બધો ભાર કિનારો લઇ લે
--
ચાહું છું એટલું રંગીન જીવન થઇ જાયે
વેદીઆ મારી તબિયતને 'ગુલાબી' કહી દે
જે રીતે રાહમાં ભૂખ્યાને લથડતો જોઇ
સજ્જનો નાક ચઢાવીને 'શરાબી' કહી દે
--
મિત્ર! આ મારી તરફ જોઇને હસતાં પુષ્પો
મારા ભૂતકાળના રંગીન પ્રસંગો તો નથી
કૈંક કરમાઇને ક્યારીમાં પડ્યા છે એમાં
જોઇ લેવા દે મને મારા ઉમંગો તો નથી?
--
એ રીતે તારા ભરોસે હું જીવું છું જીવન
જાણે પડતો કોઇ આધારને પકડી લે છે
દિલને દઇ જાય છે એ રીતે તું રંગીન ફરેબ
જાણે બાળક કોઇ અંગારને પકડી લે છે
--
સફરમાં કેટલા દિવસો વીતાવ્યા કેટલી રાતો
વિપદની કેવડી વણઝાર કે છેડો ન દેખાતો
કદી આ કાળ કેરી મંજરીના તાલમાં વાગી
પરંતુ સર્વ સંજોગોમાં વણઝારો રહ્યો ગાતો
--
4 Comments:
ખૂબ જ સુંદર મુક્તકો છે! વાંચવાની મઝા આવી...
"જોઇ લેવા દે મારા મારા ઉમંગો તો નથી?"
આ લીટીમાં કદાચ એક જ વાર 'મારા' આવે?!
આભાર જયશ્રી!
ગનીચાચાની રચનાઓમાં જે ખરબચડી સચ્ચાઈ અને જીવનની ઊંડી સમજણ દેખાય છે તે થોડા જ લોકોમાં જોવા મળે છે. ગનીચાચાની રુહને આજના દિવસે સલામ !
ગની દહીંવાલા જૂજ અનાયાસ કવિઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે... સરસ સંકલન... મજા આવી...
સુરતને બદસૂરત કરી જનાર પૂર અને પૂર પછીની અરાજકતામાં ખોવાઈ જવાના કારણે ઘણા દિવસો પછી આજે બ્લોગ-જગતમાં પગ મૂકું છું તો વર્ષો પછી પોતાના ઘરમાં પ્રવેશતો હોઉં એમ લાગે છે...
Post a Comment
<< Home