કાનુડાને બાંધ્યો છે હીરના દોરે - હરીન્દ્ર દવે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે.
કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા
આંગળીથી માખણમાં આંક્યાં,
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં
ઢળતાં શીકેથી દહીં ઢાંક્યા,
એના હોઠ બે બિડાયા હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.
માથેથી મોરપિચ્છ હેઠે સર્યું, ને સરી
હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઇ બેઠું
કાનકુંવર શું ઓછા હતા કાળા?
બંધ છોડે જશોદને કહો રે
કોઇ જઇને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.
1 Comments:
હરિન્દ્ર દવેની શ્રેષ્ઠ રચનાઓમાંથી એક... ઘણા વખત સુધી તો હું એમ જ માનતો કે આ લોકસહિત્યની વરસોવરસથી ચાલી આવતી રચના છે !
Post a Comment
<< Home