અષાઢ આયો - નિરંજન ભગત

રે આજ અષાઢ આયો,
મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો !
દૂરને દખ્ખણ મીટ માંડીને
મોરલે નાખી ટ્હેલ,
વાદળી સાગરસેજ છાંડીને
વરસી હેતની હેલ;
એમાં મનભરીને મતવાલો મોર ન્હાયો !
મેધવીણાને કોમલ તારે
મેલ્યાં વીજલ નૂર,
મેહુલાએ ત્યાં જલની ધારે
રેલ્યા મલ્હારસૂર;
એથી ધરતીને અંગ રંગઉમંગ ન માયો !
જનમાં મનમાં આષાઢ મ્હાલ્યો,
સંસાર મ્હાલ્યો સંગ,
અલકાથી હું દૂર, તે સાલ્યો,
મને, ન લાગ્યો રંગ;
એ સૌને ભાયો ને શીતલ છાંયશો છાયો !
આપણે રે પ્રિય, સામસામે તીર,
ક્યારેય નહીં મિલાપ;
ગાશે જીવનજમુનાનાં નીર
વિરહનો જ વિલાપ !?
રે આયો અષાઢ ને વાયરે તોયે વૈશાખ વાયો !
બિરહમાં બાઢ લાયો!
રે આજ આષાઢ આયો !
--
માઢ= એ નામનો એક રાગ. (સંગીત.)
સાલ્યોનો એક અર્થ શૂળની માફક દિલમાં ખટકવું કે દુઃખ થવું થાય છે.


3 Comments:
મહાકવિ કાલિદાસનું'મેઘદૂત'મહાકાવ્ય યાદ
આવી ગયું !'આષાઢસ્ય પ્રથમ દિવસે....'
આનંદની અવધિ નથી ! આભાર !
સાચે જ સુંદર કવિતા....
બહુ જ સરસ. આ ગીતનું શ્રી. આશિત દેસાઇએ 'મેઘ-મલ્હાર ' આલ્બમમાં બહુ જ સરસ સ્વરાંકન કર્યું છે. તને ગીતો ગમે છે, એટલે તે પણ બહુ ગમશે.
Post a Comment
<< Home