મોરપિચ્છ

થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય...

Friday, August 11, 2006

ધ્રુસકે ચડશે - કૃષ્ણ દવે




આંખ્યુંમાં ઝળઝળિયાં રે, કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે,
અંદરથી ખળભળિયાં રે, કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે !

રાજપાટને હડસેલીને જેને માટે નીકળેલી એ મીરાંને
સામે મળિયા શામળિયા રે, કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે...

છાતીમાં વિખરાયેલા એ કાટમાળને રહી રહીને જોયા કરતી આ પગલીની
કૈંક યાદના
તૂટ્યાં તૂટ્યાં તળિયાં રે, કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે...

સોનપરીનાં સપનાં આવે એવી નાજુક કીકીઓમાં
ઠાંસી અંધારા ભરતાં શરમ ન આવી ?
અરે ચાંદનીના ક્યારામાં
રોપ્યાં કાં બાવળિયા રે, કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે...

રોકો એને રોકો રે આ ગમગીની ઘેઘૂર બને એ પ્હેલાં
એને રોકો રે, એ પીડા નામે ગામને પાદર
હમણાં મળિયાં રે, કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે...

1 Comments:

At 1:03 PM, Anonymous Anonymous said...

સીધી દીલમાં ભોંકાય એવી અણીદાર વાત.

સોનપરીનાં સપનાં આવે એવી નાજુક કીકીઓમાં
ઠાંસી અંધારા ભરતાં શરમ ન આવી ?
અરે ચાંદનીના ક્યારામાં
રોપ્યાં કાં બાવળિયા રે, કોઇ રોકો નહિતર ધ્રુસકે ચડશે...

 

Post a Comment

<< Home