મોરપિચ્છ

થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય...

Wednesday, August 02, 2006

સહજ - કૃષ્ણ દવેબે ઘડી ડાળ પર બેસવું, ટહુકવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું,
ઝૂલવું, ખૂલવું, ને તરત ઊડવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

માન, સન્માન આમંત્રણો પણ નહીં, આવવાના કશાં કારણો પણ નહીં
તે છતાં ઉમડવું, ગરજવું, વરસવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

કોઇ જાણે નહીં મૂળ શું ગણગણે? રાતભર કાનમાં ઝાંઝરી ઝણઝણે.
એમનું આવવું, ઊઘડવું, મ્હેકવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

છેવટે એ જ તો રહી જતું હોય છે, ક્યાંય પણ નહી જવા જે જતું હોય છે
બુંદનું બુંદમાં નાચવું, વહી જવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

આત્મનું, તત્વનું, મસ્તીના તોરનું, હેમથી હેમનું કે પ્રથમ પ્હોરનું
ઝૂલણાં છંદમાં આ રીતે પ્રગટવું? કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

8 Comments:

At 1:44 AM, Blogger વિવેક said...

This comment has been removed by a blog administrator.

 
At 1:46 AM, Blogger વિવેક said...

ઝૂલણા છંદ- ગાલગા ના આવર્તન-માં લખાયેલી સુંદર ગઝલ. કૃષ્ણ દવે ગીતોના માણસ છે એટલે એમની ગઝલમાં પણ ગીતોનો લય મહેસૂસ થાય. પણ ઘણી જગ્યાએ છંદ સાચવવા માટે શબ્દોના ઉચ્ચાર પ્રચલિત રીતથી અલગ કરાયા છે. જેમકે અહીં આ ઉચ્ચારો ગા-લ-ગાના ટુકડા જાળવવા આ રીતે કરવા પડશે:

ઉમ-ડ-વું, ગર-જ-વું, વર-સ-વું, ઊઘ-ડ-વું, પ્રગ-ટ-વું...

આ ઉચ્ચારોને માન્ય રાખી શકાય ખરા?

 
At 9:45 AM, Anonymous પંચમ શુક્લ said...

આ ઊચ્ચારો કઠતા નથી માટે મારી દ્રષ્ટીએ ચોક્કસ માન્ય રાખી શકાય.
આ એક ઝૂલણા છંદમાં અદભૂત ગીતનુમા-ગઝલ છે (વિશાળ પરિપ્રેક્ષ્યમાં એક સુંદર કાવ્ય)

ખરેખરી મઝાતો આ ગઝલનેઃ 'જાગને જાદવા...' ના ઢાળમાં ગાવામાં છે.

 
At 9:59 AM, Anonymous ઊર્મિસાગર said...

પંચમજી, તમે કહ્યા મુજબનાં ઢાળમાં ગાતાં ગાતાં ફરી ગઝલને વાંચી જોઇ તો ગઝલની મઝા બમણી થઇ ગઇ... ખૂબ જ સુંદર, આભાર!

આભાર જયશ્રી!

ઊર્મિસાગર,
www.urmi.wordpress.com

 
At 10:33 AM, Blogger manvant said...

કાવ્ય સુન્દર છે.છેવટે તો ..કવિને....
'ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે !'
'આત્મનું,તત્વનું,મસ્તીના તોરનું...
હેમથી હેમનું કે પ્રથમ પહોરનું..
પ્રગટવું સહજ છે '...એજ દેખાય છે !
'હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપિહિતં મુખં:
તત્ત્વં પૂષન્નપાવૃણુ સત્ય ધર્માય દૃષ્ટયે !આભાર!

 
At 10:36 PM, Blogger ધવલ said...

કોઇ જાણે નહીં મૂળ શું ગણગણે? રાતભર કાનમાં ઝાંઝરી ઝણઝણે.
એમનું આવવું, ઊઘડવું, મ્હેકવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

લાગે છે કે જાણે કૃષ્ણ દવેને શબ્દોને સજીવન કરી દેવાનું વરદાન છે :-)

 
At 5:43 AM, Blogger વિવેક said...

પ્રિય પંચમભાઈ,

ગઝલશાસ્ત્રમાં આપ મારાથી વધુ જાણકાર છો એ હું જાણું છું. પણ ઉચ્ચારની આ પ્રકારની છૂટ ગીતમાં સ્વીકાર્ય બને, ગઝલમાં નહીં એમ હું નમ્રપણે માનું છું. આ ચારે ય શબ્દને આપણે પહેલા બે અક્ષર ભેગા કરીને કદી બોલતા નથી... અને એ રીતે બોલવાથી મને તો કઠતું હોય એમ જ લાગે છે... થોડો વધુ પ્રકાશ પાડવા વિનંતી...

 
At 11:56 AM, Anonymous પંચમ શુક્લ said...

વિવેકભાઇ
તમે બહુ જૂનો અને ચર્ચાસ્પદ વિષય લાવ્યા છો. વિવેચકો (મોટા ભાગે અછાંદસ લખવાવાળા) જો કે હવે આ બાબતમાં બહુ માથું નથી મારતાં.

જો આપણે ગઝલને ગુજરાતી કાવ્ય પ્રકાર ગણી જ લીધો હોય અને એના અરકાનને આપણાં માત્રામેળ છંદો સાથે સરખાવીએ તો આપણા માત્રામેળ છંદો પાઠ્ય કે ગેય છે અને છંદ પ્રમાંણે પઠન કે ગાન સ્વીકૃત છે. (ઊદા. ૧. મનહર છંદ, ૨. ગીત સાથે ઢાળનો સંદર્ભ).

અપવાદ રુપે અક્ષરમેળ છંદો તદ્દન જૂદું રૂપ ને ચુસ્તી માગી લે છે...ત્યાં આવી કશી જ બાંધછોડ સ્વીકાર્ય નથી...કારણ કે એવી છૂટ સાથે એ એની પાઠ્યતા કે ગેયતા ગુમાવવાની શક્યતા વધી જાય છે. (કદાચઃ એમીનો એસીડ જેમ એક સાથે એનેક લઘુ અને ગુરુના જોડાણો બહુજ સંવેદનશીલ છે.) અને એ જ કારણે આજકાલ શાસ્રીય છંદોમાં (ઊદા. શિખરીણી, મંદાક્રાંતા) મર્યાદિત રચનાઓ જોવા મળે છે.


મારી દ્રષ્ટીએ કેટ્લીક રુઢ માન્યતાઓ ..ગઝલનો અમુક રીતે જ સ્વીકાર, અમુક જ પરિભાષા એ બધું હજી બદલાયું નથી....આખરે ગુજરાતી-ગઝલ પણ એક કાવ્ય જ છે...
અંગત રીતે હું એક ઉત્તમ ગઝલકાર (શાયર)ને કવિ તરીકે જોવું વધારે પસંદ કરું છું.

આખરે તો આ પ્રશ્ન કવિ અને વિવેચક વચ્ચે આવીને અટવાયા જ કરશે.....અને એટ્લે જ કવિનાં સ્વયં પઠનનો મહિમા છે....જેમાં ઊચ્ચારની અવઢવ આપોઆપ દૂર થઈ જાય છે.
અને શુધ્ધ ભાવક તો આ બધાથી મુક્ત જ છે...

હકીકતમાં મને ગઝલશાસ્ત્રનો બહુજ મયાદિત પરિચય છે.
મારા માટે 'ગાલગાગા' સમજવું ગઝલનાં અરકાન અને અરૂઝ કરતાં વધુ સહજ છે.
મારી બહુજ અલ્પ સમજ પ્રમાણે મેં મારું મંતવ્ય રજૂ કર્યું છે.
ખબર નૈ આપને આનાથી સંતોષ થશે કે કેમ?

 

Post a Comment

<< Home