મોરપિચ્છ

થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય...

Saturday, August 05, 2006

પ્રશ્ન - ઉમાશંકર જોષી



'છે મારું કો અખિલ જગમાં?' બૂમ મેં એક પાડી :
ત્યાં તો પેલી ચપળ દીસતી વાદળી જાય ચાલી,
દોડ્યો વ્હેળો વહનગીતમાં પ્રશ્ન મારો ડુબાવી,
ને આ બુઢ્ઢો વડ પણ નકારે જ માથું હલાવી,
સુણ્યા સાથે ગિરિય પડઘા પાડીને ફેંકી દેતો
બીજા પ્હાડો તણી કુહરમાં વેણ, હૈયે ન લેતો,
તારા લાગે બધિર, વીજળી પૂછવા દે જ ક્યાં?
ત્યાં પૃથ્વીનાં સ્વજન તણું તો નામ લેવું પછી કાં?

છેલ્લે પૂછ્યું રુધિરઝર આ પાણીપોચા હૈયાને:
'વ્હાલા, તું તો મુજ રહીશ ને? છો જગે કો ન મારું.'
ને એ દંભી શરમ તજી કહે:'તું ન માલેક મારો,
હું તારામાં વસું અવર કાજે.' - ખિજાયો, વિચાર્યું:
બીજાં કાજે વસતું મુજમાં?! તો મદર્થે બીજામાં
હૈયા વાસો નહિં શું વસતાં કૈ હશે સ્નેહભીનાં?

2 Comments:

At 8:18 AM, Anonymous Anonymous said...

'Manakranta Chand'

 
At 6:30 AM, Blogger વિવેક said...

છેલ્લી બે પંક્તિમાં સંસારનો સાર નીતરી આવે છે... સુંદર સૉનેટ...

 

Post a Comment

<< Home