મોરપિચ્છ

થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય...

Friday, June 30, 2006

ચોટ ગોઝારી - અમૃત 'ઘાયલ'


અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી;
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી...

ઘડીઓ આ જુદાઇની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી...

મને કંઇ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી !...

કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી ?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી...

Thursday, June 29, 2006

તમારું જ નામ - અઝીઝ ટંકારવી



અમારા હ્રદયમાં તમારો મુકામ,
આ હૈયું મટીને થયું તીર્થધામ.

તમે આંગળી મારી પકડી અને
પલકભરમાં રસ્તો થયો આ તમામ

થયું ધૂળધાણી ક્ષણોમાં બધું
અહમ્ નો અમારો આ કેવો દમામ !

લથડવાનું પહેલેથી નક્કી હતું
તમે જ્યાં પીધાં ઝાંઝવાના જ જામ

ભલે લોક એને કહે છે ગઝલ
'અઝીઝે' લખ્યું છે તમારું જ નામ.

Wednesday, June 28, 2006

Yaad Chhe... - Ahamad Gul






Hello Friends,

As I will be away from my computer for few days, I wont be able to post anything by writing in Gujarati fonts. So I am managing with posting the entry as jpg image.

આયનાની જેમ - મનોજ ખંડેરિયા.




આયનાની જેમ હું તો ઊભી 'તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છુંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તો એકલું રે લાગે

આજ તો અભાવ જેના અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઇ ને
આયનાની જેમ હું તો ઊભી 'તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામનાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે જાણે કે
છાતીમાં ધરબાતા ખીલા

પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
આયનાની જેમ હું તો ઊભી 'તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

Monday, June 26, 2006

કોઇ પ્રીત કરી તો જાણે ! - મહેન્દ્ર વ્યાસ 'અચલ'



કોઇ પ્રીત કરી તો જાણે !
અંતરમાં આ શીતળ અગનને કોઇ ભરી તો જાણે ! - કોઇ...

દિવસ ઊગ્યે બેચેન રહેવું,
રાત પડ્યે મટકું ના લેવું,
ખોવાયા ખોવાયા જેવી,
પળ પળને વિસરાવી દેવી,
જીવતેજીવત આમ જીવનમાં કોઇ મરી તો જાણે ! - કોઇ...

દુનિયાની તીરછી દ્રષ્ટિમાં,
વેધક વાણીની વૃષ્ટિમાં,
મસ્ત બનીને ફરતા રહેવું,
મનનું કૈં મન પર ના લેવું,
ખુલ્લે પગ કંટકભર પથ પર કોઇ ફરી તો જાણે ! - કોઇ...

મોજાંઓના પછડાટોથી,
ઝંઝાનિલના આઘાતોથી,
નૌકા જ્યાં તૂટી પણ જાયે,
સાગર જ્યાં રૂઠી પણ જાયે,
એવા ભવસાગરમાં ડૂબી કોઇ તરી તો જાણે ! ...

કોઇ પ્રીત કરી તો જાણે !

Sunday, June 25, 2006

બીજું હું કાંઇ ન માગું - 'બાદરાયણ'


આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઇ ન માગું
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઇ ન માગું .

તૂંબડું મારું પડ્યું નકામું
કોઇ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
પછી મારી ધૂન જગાવું.

સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઇ ન માગું .

એકતારો મારો ગુંજશે મીઠું
દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
ગીતની રેલશે એક અખંડિત ધાર,
એમાં થઇ મસ્ત હું રાચું.

આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઇ ન માગું

'બાદરાયણ' - ભાનુશંકર બા. વ્યાસ

Friday, June 23, 2006

મને હું શોધું છું - દલપત પઢિયાર


ભાળ મળે નહીં ક્યાંય, મને હું શોધું છું
કોઇ બતાવો ક્યાં છે મારી ભોંય...... મને..

આગળ કે'તાં આગળ જેવું કશું નહીં
પાછળ કે'તાં પાછળ જેવું કશું નહીં
ડગલેપગલે હું જ મને આડો ઊતરું
ને હું જ મને અવરોધું છું...

કહો મને હું ચહેરેમહોરે કોને મળતો આવું છું?
ક્યાં છે મારી મૂળની છાપો, શું શું, નીત સરખાવું છું.
હું અતડો, મારાથી અળગો
શું, કોને સંબોધું છું....

એમ થાય છે કે ઇચ્છાઓનાં જડિયાં ખોદી
આઘાં તડકે નાખું
બાજોઠ ઢાળી બેઠોબેઠો
આનંદ મંગળ ભાખું
એમ થાય કે નભમંડળનું આખું તોરણ
આંખે બાંધી રાખું
વળી, થાય કે છાંયાસોતો
વડલો વહેરી નાખું
વારાફરતી વૃક્ષબીજમાં
હું જ મને વિરોધું છું...

અમે અમારી ઓળખ વિશે આજ લગી બસ, હાંક્યે રાખ્યું
અંદર કશું મળે નહીં ઉપર ચાદર જેવું ઢાંક્યે રાખ્યું
સહી દસ્તક હું પોતે દલપતરાય
નહીં ઠામ, નહીં ઠેકાણું, અહીં નામ અધૂરું નોંધું ?

Thursday, June 22, 2006

હે વિહંગ .. - કૃષ્ણ દવે.



હે વિહંગ ! આમ દૂર દૂર ના ઊડી જવાય,
આ સંબંધ નીડ, ડાળ, પર્ણનો, નસેનસે, ફરી, ફરી,
નહીં, નહીં, નહીં, રચાય.
હે વિહંગ....

આવરણ અગાધ ત્યજીને થયેલ સળવળાટ
યાદ કર થયેલ પાંખમાંથી સ્હેજ ફડફડાટ,
નીડ ડાળ પર્ણ મૂળમાં થયેલ ઝણઝણાટ,
ને ઊડેલ તુંય કેવું સ્વપ્ન જેમ સડસડાટ !

હે વિહંગ, અંતરંગ એ ઉમંગ, એ પ્રસંગ
એમ કેમ વિસ્મરાય ?
હે વિહંગ....

કૂંપળોય આંખમાં ભરી ભરી ફરે ઉચાટ,
ડાળ ડાળનેય આમ જોવડાવીએ ન વાટ,
પાંખ સ્હેજ ફફડતાં જ એમ થાય થરથરાટ,
આંગણેથી જેમ કે ઊડી રહ્યું ન હો વિરાટ !

હે વિહંગ, શું ન એટલું પુછાય આભનેય -
વૃક્ષથી ઊડી શકાય ?
હે વિહંગ....

( આ કવિતા વાંચીને એવું લાગ્યું, કે જાણે મને ઘર પાછું બોલાવે છે... )

કવિ પરિચય : ('વાંસલડી ડોટ કોમ' માં પ્રસ્તુત મોટાભાઇ કિરિટ દવે એ આપેલ પરિચયમાંથી સાભાર)

શ્રી કૃષ્ણ દવેનો જન્મ તા. સપ્ટેંબર 4, 1963. વતન સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાનું ધારી ગામ. એટલે 1 થી 7 ધોરણ સુધીનો અભ્યાસ એમણે ધારીમાં કર્યો. ત્યાર પછી થોડોક અભ્યાસ રાજુલા તત્વજ્યોતિ સંસ્થામાં કર્યો. જેને કારણે તેમનું સંસ્કૃત સ્તોત્રોનું ગાન પાકું થયું.
શ્રી કૃષ્ણ દવેની કવિતામાં લયનું સાતત્ય આને કારણે છે. ભાવનગર જિલ્લા તાલીમ સેવા કેન્દ્રમાં સુથારી કામની તાલીમ લઇને એ ફર્નિચરના નિષ્ણાત મિસ્ત્રી બન્યા. આજે એ ડોરસ્કીનના નિષ્ણાત ડિઝાઇનર છે. વ્યવસાયે બેંકમાં સેવા આપે છે. આ સમય દરમ્યાન એમણે ફરીથી અભ્યાસ પણ ચાલુ કર્યો અને બી.એ. પાસ કર્યું.

પ્રકાશિત સાહિત્ય :

* પ્રહાર
કાવ્યસંગ્રહ, પ્રથમ આવૃત્તિ 1992, દ્વિતીય
આવૃત્તિ 1998
*
વાંસલડી ડોટ કોમ
કાવ્યસંગ્રહ, પ્રથમ આવૃત્તિ 2005
* ભોંદુભાઇ તોફાની
બાળકિશોર કાવ્યસંવ્રહ,
પ્રથમ આવૃત્તિ 2005

'શંભુપ્રસાદ જોષી' ના શબ્દોમાં

ફૂટે કવિતા કૃષ્ણને,
જ્ય્મ ફૂલ ફૂટે ડાળને !

Wednesday, June 21, 2006

નથી મળતા




જીવન મંઝિલ છે સામે કિન્તુ રસ્તાઓ નથી મળતા,

સમસ્યાઓ છે કાંઇ એવી ખુલાસાઓ નથી મળતા

ગયા મઝધારમાં 'નાશાદ' એવા અમને મૂકીને

હવે સંસાર-સાગરના કિનારાઓ નથી મળતા


- નાશાદ.

Tuesday, June 20, 2006

સાગરતીરે અલસ તિમિરે - રઘુવીર ચૌધરી



સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
મોજું આવે કોક રહીને અડકે ચરણ જતાં.

ઊડી ગયાં સહુ વિહંગ નભથી
નીરવતા ફરકે છે સઢથી,

દીર્ઘ થયા પડછાયા ધીરે જળમાં ઓગળતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.

કરે સ્પર્શ અંધાર શ્વાસને,
એક કરે મુજને - વિશાળને,

કોક છીપમાં બેઠી બેઠી ઝૂરે સુંદરતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.

Sunday, June 18, 2006

રજકણ - હરીન્દ્ર દવે




રજકણ સૂરજ થવાને સમણે,
ઉગમણે ઊડવા લાગે, જઇ ઢળી પડે આથમણે.


જળને તપ્ત નજરથી શોધી
ચહી રહે ઘન રચવા,
ઝંખે કોઇ દિન બિંબ બનીને
સાગરને મન વસવા

વમળ મહીં ચકરાઇ રહે એ કોઇ અકળ મૂંઝવણે.
એક રજકણ...

જ્યોત કને જઇ જાચી દીપ્તિ,
જ્વાળ કને જઇ લ્હાય;
ગતિ જાચી ઝંઝાનિલથી,
એ રૂપ ગગનથી ચ્હાય;

ચકિત થઇ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.
એક રજકણ...



ડૉ.વિવેક ટેલર ના શબ્દોમાં આ કવિતાનો ભાવાર્થ :

આ કવિતાને મેં જે અલગ અલગ નજરે જોઈ છે, એ તમામ દ્રષ્ટિકોણેથી આસ્વાદીએ.
પહેલી નજરે જોઈએ તો કવિતામાં શું દ્રષ્ટિગોચર થાય છે? કવિતાના શીર્ષક અને ધૃવપંક્તિ એક એવી રજકણની વાત લઈને આવે છે જે સૂરજ થવાનું સપનું જુએ છે. રજકણ પણ ઈચ્છે છે કે સૂરજ બનીને ગરમ નજરોથી એ જળમાંથી ઘન યાને વાદળ સર્જે કે બિંબ બનીને રોજ સાંજે સાગરમાં જઈને વસતા સૂરજની પેઠે કદીક સાગરમાં જઈને રહે. પણ એના જીવનની વાસ્તવિક્તા આ સપનાંથી સદૈવ વેગળી રહે છે... એક વમળ ક્યાંકથી ઉઠે છે અને એના મનની મનમાં જ રહી જાય છે, એક અકળ મૂંઝવણ બનીને! તોય સૂરજ થવા માટે રજકણ શું નથી કરતી? એ જ્યોત પાસેથી પ્રકાશ અને અગ્નિ પાસેથી ગરમી માંગે છે. ઝંઝાવાત પાસેથી એની ગતિ અને આકાશ પાસેથી એનું રૂપ મેળવીને સૂર્યની સમકક્ષ થવાના સ્વપ્નો જોતી રજકણને આખરે લોકો ક્યાં પ્હોંચતી જુએ છે-પોતાના ચરણોની નીચે? ધૂળ ઈચ્છે તો પણ સૂરજ બની શક્તી નથી...

પણ આ લીટીઓની વચ્ચે છુપાયેલા હરીન્દ્ર દવેને શોધીએ તો? શું અહીં પોતાની રજકણ જેવડી હેસિયત ભૂલીને ખુદાની સમકક્ષ થવાનું સપનું જોતા પામર મનુષ્યની વાત છે? કવિ શું મનુષ્યને એની તુચ્છતાનો અહેસાસ કરાવવા માંગે છે? પોતાની હસ્તીથી વધીને કશું શક્ય નથી એવો ભાવ છુપાયો છે અહીં?

કે પછી નકલ યા ઉછીના મેળવેલા ગુણની નિરર્થક્તાની અહીં વાત છે? અહીં શું એવું ઈંગિત છે કે કોઈના જેવું થવા માટે કરેલા અનુકરણનો અંત આખરે વમળમાં ફસાયેલી રજકણ જેવો જ હોય છે? અને કોઈની પાસે ભીખીને માંગેલી કળા- ભલે ને એ પ્રકાશ, અગ્નિ, ગતિ કે ગગનસમી દેદિપ્યમાન કેમ ન હોય- છે તો ઉછીનું જ અને નકલ કે ઉધારનું અંતિમ અને સાચું સ્થાન તો લોકોની ઠોકરમાં જ હોય છે.

અને ત્રીજો અર્થ એવો પણ તો કાઢી શકાય ને કે ભલેને વમળમાં અટવાઈ જવાનો યા લોકોની ઠોકરોમાં ખોવાઈ જવાનો ડર હોય, ભલેને આપણી હસ્તી એક રજકણ જેવડી ટચૂકડી હોય, સૂરજ થવાનું સપનું કદી છોડવું ન જોઈએ?! આપણું સ્વપ્ન પૂર્ણ કરવા માટે ભલે ને સદગુણોની ભીખ કેમ ન માંગવી પડે...સ્વપ્ન અને એને સફળ કરવા માટેનો પુરૂષાર્થ કોઈ પણ કાળે પડતો મૂકવો ન જોઈએ...

Saturday, June 17, 2006

મુક્તકો - કૈલાસ પંડિત

કોયલોના કાન સરવા થઇ ગયા
ઊતર્યા છે ક્યાંથી ટહુકા પહાડમાં
મોરલી ગુંજી હશે વૃંદાવને
ઘૂંઘરું ખનક્યા હશે મેવાડમાં
-------------------------------------------------

દ્વાર ખખડ્યું કે વિચાયું ખોલતા
એ જ મળવાને મને આવ્યા હશે
મેં પછી સમજાવતા મુજને કહ્યું
આટલી રાતે તો એ હોતા હશે ?
-------------------------------------------------

અમસ્તી કોઇ પણ વસ્તુ નથી બનતી જગતમાંહે
કોઇનું રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે
ગઝલ સર્જાય ના 'કૈલાસ' દિલમાં દાહ લાગ્યા વિણ
પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે
-------------------------------------------------

એકાદ એવી યાદ તો છોડી જવી હતી
છુટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ બધું લઇ ગયાં તમે
થોડીઘણી સુગંઘ તો મૂકી જવી હતી
-------------------------------------------------

કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?
-------------------------------------------------

Friday, June 16, 2006

તારી હથેળીને .... - તુષાર શુક્લ.



તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી.

ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
તારી હથેળીને રેતી માનીને કોઇ ઊંટોના શોધે મુકામ;
એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી.

કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને કાંઠો માનીને કોઇ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી.

ઓ ઇશ્વર ભજીએ તને,...

ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ...

હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ...

પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય
ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય...

અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય
જે આવે અમ આંગણે, આશિષ દેતો જાય...

સ્વભાવ એવો આપજો, સૌ ઇચ્છે અમ હિત
શત્રુ ઇચ્છે મિત્રતા, પડોશી ઇચ્છે પ્રીત...

વિચાર વાણી વર્તને, સૌનો પામું પ્રેમ
સગાં સ્નેહી કે શત્રુનું, ઇચ્છું કુશળક્ષેમ...

આસ પાસ આકાશમાં, હૈયામાં આવાસ
ઘાસ ચાસની પાસમાં, વિશ્વપતિ નો વાસ...

ભોંયમાં પેસી ભોંયરે, કરીએ છાની વાત
ઘડીએ માનમાં ઘાટ તે, જાણે જગનો તાત.

ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ
ક્યાંયે જગકર્તા વિના, ઠાલુ ના મળે ઠામ...

જોવા આપી આંખડી, સાંભળવાને કાન

જીભ બનાવી બોલવા, ભલું કર્યું ભગવાન...

ઓ ઇશ્વર તું એક છે, સર્જ્યો તે સંસાર
પ્રુથ્વી પાણી પર્વતો, તેં કીધા તૈયાર...

તારા સારા શોભતા, સૂરજ ને વળી સોમ
તે તો સઘળા તે રચ્યા, જબરું તારું જોમ...

અમને આપ્યાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર
બોલે પાપી પ્રાણીઓ, એ તારો ઉપકાર...

કાપ કલેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ
કાપ કુમતિ કરુણા કીજે, કાપ કષ્ટ સુખ આપ...

ઓ ઇશ્વર તમને નમું, માંગુ જોડી હાથ
આપો સારા ગુણ અને, સુખમાં રાખો સાથ...

મન વાણી ને હાથથી, કરીએ સારાં કામ
એવી બુધ્ધિ દો અને, પાળો બાળ તમામ...

ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ...

( આ પ્રાર્થના ના રચનાર કોણ, એ તો મને ખબર નથી. પરંતુ મને યાદ છે, કે જ્યારે નાનપણમાં મમ્મીને પૂછ્યું, કે ભગવાનને રોજ સવારે હાથ જોડીને શું કહેવાનું, ત્યારે મમ્મીએ આ પ્રાર્થનાની પ્રથમ ચાર પંક્તિઓ શીખવાડેલી. ત્યારથી આ સરળ પ્રાર્થના મને ઘણી વ્હાલી.)

Thursday, June 15, 2006

પાસપાસે તોયે - માધવ રામાનુજ


પાસપાસે તોયે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ !

જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.


રાતદીનો સથવાર તે સામે મળવાનું તો

કોઇ દહાડો સુખ મળતું નથી,

આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી

ફળિયામાં સળવળતું નથી;


આસુંનેયે દઇ દીધો છે ભવનો કારાવાસ...

પાસપાસે તોયે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ !


ઝાડથી ખરે પાંદડું એમાંય

કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે?

આપણી વચ્ચે 'આવજો'ની કોઇ ભીંત હશે,

કે યાદ જેવું કોઇ બારણું હશે?


પડખે સૂતાં હોય ને લાગે શમણાનો સહવાસ !

જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

Wednesday, June 14, 2006

વીજળીને ચમકારે - ગંગા સતી




વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ !
નહિતર અચાનક અંઘારા થાશે;
જોતજોતાંમાં દિવસ વયા ગયા પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે.... - વીજળીને ચમકારે

ભાઇ રે ! જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઇ !
આ તો અધૂરિયાને નો કે'વાય,
આ ગુપત રસનો ખેલ છે અટપટો,
આંટી મેલો તો પૂરણ સમજાય... - વીજળીને ચમકારે

ભાઇ રે ! નિરમળ થૈને આવો મેદાનમાં પાનબાઇ !
જાણી લિયો જીવની જાત;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત - વીજળીને ચમકારે

ભાઇ રે ! પિંડ બ્રહ્માંડ્થી પર છે ગુરુ પાનબાઇ !
તેનો દેખાડું હું તમને દેશ,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ. - વીજળીને ચમકારે

Tuesday, June 13, 2006

Some flowers for your desktop.




મોરપિચ્છ - જયંત પલાણ

મારી પહેલી તે પ્રીતનો
મ્હોર્યો પારિજાત,
ઝૂકી ઝૂકી ઉરને આંગણ
કરતો સુગંધભરી વાત,
- મારી પહેલી ...

ફૂલ ફૂલની ફોરમ લઇને
વહેતા મનના વાયુ,
હૈયાના ધબકારા કહેતા :
'લોચન કોક લપાયું;'
ચેન નહીં દિવસના, વીતે
વસમી સપને રાત :
- મારી પહેલી ...

પ્રાણ તણી વીણાના તારે
ગૂંજે ગીત અજાણ્યાં,
વ્યાકુળ ઉરના મધુર અજંપા
મન ભરીને માણ્યા;
ઊઠી મારા પ્રીત-પટોળે
મોરપિચ્છની ભાત :
- મારી પહેલી ...